ગુજરાતમાં ગુનાખોરીના ક્ષેત્રમાં એક નવો અને ત્રાસદાયક ટ્રેન્ડ ઊભરી આવ્યો છે. એક એવો ટ્રેન્ડ કે, જે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કલ્ચરથી પ્રભાવિત છે. જેમ ઈન્સ્ટાગ્રામમાં જે વીડિયોનું કન્ટેન્ટ ટ્રેન્ડિંગમાં હોય ને તેના પર ઢગલાબંધ વીડિયો બનવા લાગે છે એવી જ રીતે ગુનેગારો પણ જે ક્રાઈમ ટ્રેન્ડમાં હોય તે વધુ ને વધુ કરતા નજરે પડી રહ્યા છે.
આમ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કલ્ચર સાથે થતું ગુનેગારોનું જોડાણ એ આવનાર સમય માટે ખૂબ જ ચિંતાજનક છે. તો ચાલો આ ચિંતાજનક જોડાણને ક્રિમિનલ સાયકોલોજીના લેન્સ દ્વારા થોડું ઊંડાણપૂર્વક સમજીએ.
ગુનેગારોમાં ‘ક્રાઇમ એઝ અ ટ્રેન્ડ’ તરીકે વિકસતો અભિગમ
હવેના સમયમાં ફક્ત કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે દ્વેષભાવ, ઈર્ષ્યા, નફરત, મોહ કે લાલચના કારણે ગુનાહિત પ્રવૃતિઓ નથી ઘટતી પરંતુ, ક્યો ક્રાઈમ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે તે જાણીને ગુનો આચરવામાં આવે છે જેમ કે, જો વર્તમાન સમયમાં ડિજિટલ અરેસ્ટનો ગુનો ટોપ પર ચાલી રહ્યો છે તો ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ આ ગુનો આચરવાનો પ્રયાસ કરશે.
ગુનેગારોમાં પણ લાઇક્સ, શેર અને વ્યૂઅર્સની ભૂખ જાગી
આવી જ રીતે દુષ્કર્મ, જોખમી સ્ટન્ટ્સ, જાહેરમાં બોલાચાલી અથવા અભદ્ર વર્તન જે પણ ગુનાહિત પ્રવૃતિની ચર્ચા સમાજમાં વર્તમાન સમયમાં વધુ પડતી થતી હશે, તે ગુનો આચરનારા ગુનેગારોની સંખ્યા ગણતરીના સમયમાં આપમેળે જ વધતી જાય છે અને તેની પાછળનું કારણ સોશિયલ મીડિયા યૂઝર્સની જેમ ગુનેગારોમાં પણ હવે લાઇક્સ, શેર અને વ્યૂઅર્સ મેળવવાની ભૂખ જાગી છે.
સાયકોલોજિસ્ટ સુરેશ મકવાણા કહે છે કે, ‘દરેક ગુનાની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે ને આ વાર્તા જ ગુનેગારને ગુનાહિત પ્રવૃતિઓ આચરવા માટે મજબૂર કરે છે.’
કેસ સ્ટડીઝ:
સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સથી પ્રેરિત ગુનાઓ
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ પોલીસ સાયન્સ દ્વારા પ્રકાશિત એક કેસ સ્ટડીમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, કેવી રીતે કિશોર અપરાધીઓ, જે ઘણીવાર સાથીઓના દબાણ અથવા ભાવનાત્મક અસ્થિરતાથી અમુક પ્રકારની ગુનાહિત પ્રવૃતિઓ કરે છે, જેને તે ટ્રેન્ડ તરીકે જુએ છે. આ વાતનો પડઘો ગુજરાતમાં બનેલી ઘટનાઓ સાથે પડે છે, જ્યાં જાહેર સ્ટંટ અથવા બેફામ ડ્રાઇવિંગ જેવા ગુનાઓએ યુવાનોમાં આકર્ષણ જમાવ્યું છે.
બેફામ ડ્રાઇવિંગ
અમદાવાદમાં ભરચક શહેરી વિસ્તારમાં યુવાનોના એક ગ્રુપે જોખમી રીતે કારનો પીછો કર્યો હતો અને આ આખી ઘટનાને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. આ રેકોર્ડેડ ઘટનામાં મ્યૂઝિક અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ ઉમેરીને તેણે પોતાના મિત્રોને શેર કરી હતી. જે વાઈરલ થતાં શહેરમાં એક પછી એક આ પ્રકારની કોપીકેટ ઘટનાઓ ઘટવા લાગી હતી અને અંદાજે 70 જેટલા કેસો નોંધાયા હતા.
જાહેરમાં સ્ટંટ કરવા અને તોડફોડ
સુરતમાં ટીનેજર્સના એક ગ્રુપે સોશિયલ મીડિયા પર જોયેલા વાઇરલ સ્ટંટની નકલ કરતા હાઇ-પ્રોફાઇલ એરિયામાં જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તેમનો ઇરાદો આ વીડિયોને વ્યૂઝ અને લાઇક્સ માટે ઓનલાઇન શેર કરવાનો હતો. તેઓ માનતા હતા કે, તેનાથી તેમને ખ્યાતિ મળશે. આ વાઈરલ વીડિયોએ અન્ય યુવાનોને પણ આવી જ પ્રવૃતિઓ કરવા માટે પ્રેરિત કર્યા હતા અને અંદાજે 52 જેટલા કેસો નોંધાયા હતા.
ઓનલાઇન પડકારોથી પ્રેરિત સાયબર ક્રાઇમ
ગુજરાતમાં સાયબર ક્રાઇમમાં પણ વધારો જોવા મળ્યો છે. સ્કેમર્સ નબળા લોકોને નિશાન બનાવીને તેમને માનસિક દબાણ આપીને છેતરપિંડી આચરી લે છે. ડિજિટલ ટ્રેન્ડની લોકપ્રિયતાનો લાભ ઉઠાવીને આ ગુનેગારોએ વ્યાપક સાયબર ફ્રોડનો માર્ગ મોકળો કર્યો છે.
ગુજરાતમાં સાયબર ક્રાઇમમાં નાટ્યાત્મક વધારો જોવા મળ્યો છે, છેલ્લા પાંચ વર્ષમાં 235 ટકાનો આશ્ચર્યજનક વધારો દર્શાવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા દર્શાવે છે કે, કોવિડ -19 લોકડાઉન દરમિયાન અને તે પછી ડિજિટલ વ્યવહારોમાં વધારો થયો હોવાથી ઓનલાઇન છેતરપિંડી અને સાયબર-સક્ષમ ગુનાઓની ઘટનાઓ પણ વધી હતી. દાખલા તરીકે, 2017માં માત્ર 458 સાયબર ક્રાઇમ કેસો હતા. 2021 સુધીમાં આ સંખ્યા વધીને 1,536 થઈ ગઈ હતી.
કંઈપણ મેળવવા માટેનો હાથવગો રસ્તો એટલે હિંસા
સોશિયોલોજિસ્ટ ગૌરાંગ જાનીએ જણાવ્યું કે, આ આંકડાઓ દેખાવમાં તો એકદમ સામાન્ય છે પણ જો તેને નજરઅંદાજ કરવામાં આવે તો એ દિવસો દૂર નથી કે, જ્યારે તે લાખોમાં પલટાઈ જશે. હિંસા એ સમાજના લોકો માટે હવે એક મૂલ્ય બનતું જાય છે. જે હિંસા પહેલાના સમયમાં ગુનાહિત પ્રવૃતિઓ સાથે જોડાયેલા કુખ્યાત લોકો સુધી સીમિત હતી તે હવે ઘરના સામાન્ય પરિવાર સુધી પહોંચી ગઈ છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, ઘરમાં તણાવગ્રસ્ત સંબંધો, સ્ત્રીઓ પરની હિંસા દિન-પ્રતિદિન વધી રહી છે. આજના યુવાઓ પાસે કોઈ રોલમોડેલ નથી. જેને તે રોલમોડેલ માને છે તે પણ કોઈ ને કોઈ રીતે હિંસા સાથે જોડાયેલા છે તો આમા હિંસાને કઈ રીતે નાથવી? એ મહત્વનો પ્રશ્ન બની ગયો છે. વસ્તીગણતરી મુજબ દર બીજો ગુજરાતી 25 વર્ષથી નાની ઉંમરનો છે ને આ તમામ માટે કંઈપણ મેળવવા માટેનો હાથવગો રસ્તો એ હિંસા બની ગયો છે.
ગુનેગારો ડિજિટલ વિશ્વમાં પોતાની નોંધ લેવાય એવુ ઈચ્છે છે
સાયબર સાયકોલોજિસ્ટ પ્રણવ મહેતા કહે છે કે, “ગુનેગારો પણ ડિજિટલ વિશ્વમાં પોતાની નોંધ લેવાય એવું ઈચ્છતા થયા છે. સોશિયલ મીડિયાની ફીડબેક લૂપ તેની ગુનાહિત પ્રવૃતિઓને કેટલા લોકોએ જોઈ, કેટલા લોકોએ તેને પોતાના ગ્રુપમાં શેર કરી, કેટલા લોકોએ તેની ટીકા કરી આ તમામ બાબતો જણાવે છે. ડિજિટલ વિશ્વમાં પોતાની નોંધ લેવાય એવી લાલચ પણ વ્યક્તિને ગુનાહિત પ્રવૃતિ કરાવવા પાછળનું પ્રેરકબળ બન્યું છે.”
ગુનાના ગ્લેમરાઇઝેશનને કાબૂમાં રાખવા હકારાત્મક બનો
સાયકોલોજિસ્ટ ડૉ. શર્મા ભારપૂર્વક જણાવે છે કે, “જો તમે ક્રાઈમને એઝ અ ટ્રેન્ડ તરીકે વિકસિત થતો અટકાવવા ઈચ્છતા હો તો આગામી પેઢીને હકારાત્મક પ્રભાવોમાંથી પ્રેરણા લેવા અંગે શિક્ષિત કરવું જોઈએ તો જ આપણે ગુનાના ગ્લેમરાઇઝેશનને કાબૂમાં રાખી શકીએ છીએ.”